સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામી એક વાર બોટાદ પધાર્યા. તેમના દર્શન માટે સાળંગપુરના વાઘાખાચર બોટાદ ગયા. સાષ્ટાંગ પ્રણામ કરીને જ્યારે તે સ્વામી પાસે બેઠા તો સ્વામીજીએ સહજ સ્વભાવે પ્રશ્ન કર્યો કે કુશલ મંગળ તો છે ને ? સ્વામીશ્રીનો પ્રશ્ન સાંભળી વાઘાખાચરના મુખ પર ચિંતાઓની રેખાઓ ખેંચાણી. તેઓએ સ્વામીશ્રીને અતિદીન સ્વરે પ્રાર્થના કરી કે સ્વામીજી ! પાછલા ત્રણ વર્ષોથી દુકાળ પડે છે તેથી આર્થિક પરિસ્થિતિઓ ઘણી નાજુક થઈ છે અને અમારી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંતો સાળંગપુર તો આવે છે પરંતુ રોકાતા નથી. તેથી સત્સંગનો પણ દુકાળ થયો છે.

શ્રીજીના પ્રસાદીભૂત સાળંગપુરની આ દશા સાંભળી દયાળુ સંતનુ હ્રદય પીગળી ગયું. તેઓએ વાઘાખાચરને કહ્યુ કે હું તમને એક ભાઈ આપુ છું જેનાથી તમારી બધી જ સમસ્યાઓનુ સમાધાન થઈ જશે. વાઘાખાચર આ વાતમાં કંઈ સમજ્યા નહિ તેથી સ્વામીશ્રી ફરી બોલ્યા કે બધા કષ્ટોનું ભંજન કરવાવાળા હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા હું સાળંગપુરમાં કરી દઉં છું. જેનાથી તમારા કષ્ટો મટી જશે.

આ વાત સાંભળીને વાઘાખાચર ભાવવિભોર થઈ ગયા અને સ્વામીશ્રીના ચરણોમાં પોતાનુ મસ્તક મુકી પોતાને અતિધન્ય માનવા લાગ્યા. ત્યારપછી સ્વામીશ્રીએ સ્વયં હનુમાનજીની મૂર્તિનું ચિત્ર તૈયાર કરીને શિલ્પકાર કાનજી મિસ્ત્રીને કહ્યું કે આવી મૂર્તિ તમે શીઘ્ર જ તૈયાર કરો. આ તરફ મૂર્તિનું કામ અને પેલી તરફ સાળંગપુરમાં મંદિરનું કામ ચાલુ થયું. પરમ ઐશ્વર્યમૂર્તિ સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીના સંકલ્પથી જે કાર્ય થઈ રહ્યુ હોય તેમાં ક્યુ વિઘ્ન આવી શકે ? મૂર્તિ અને મંદિર તૈયાર થતાં જ સંવત્ ૧૯૦૫ ના આસો વદ-૫ ને દિવસે શાસ્ત્રોક્તવિધિથી મહાન પ્રતિષ્ઠોત્સવપૂર્વક શ્રી કષ્ટભંજનદેવની પ્રતિષ્ઠા સમયે સ્વામીશ્રીએ હનુમાનજી મહારાજનું આવાહ્ કર્યુ.

હનુમાનજી મહારાજનો મૂર્તિમાં પ્રવેશ થતાં જ મૂર્તિ કાંપવા લાગી ત્યારે સ્વામીશ્રીએ હનુમાનજીને કહ્યું કે અહીંયા ભગવાન શ્રી સ્વામિનારાયણની નિશ્રા અને આપની શરણમાં જે મનુષ્યો પોતાના કોઈ પણ પ્રકારનાં દુ:ખો લઈને આવે તેના દુ:ખો તમો દૂર કરજો અને તેમને સુખી કરજો.ત્યારપછી સ્વામીશ્રીએ પોતાની પાસે જે યષ્ટિકા (ટેકા માટેની લાકડી) હતી તે આપીને કહ્યું કે જ્યારે કોઈ પણ પ્રકારથી ઉપદ્રવો દૂર ના થાય ત્યારે આ યષ્ટિકાથી સ્પર્શિત જળ છાંટવાથી તુરત જ ઉપદ્રવ શાંત થઈ જશે. સમયચક્ર ફરતુ રહ્યું. સમય પસાર થતો રહ્યો પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આજે પણ કષ્ટભંજંન દેવ સાળંગપુરમાં પ્રત્યક્ષ બિરાજમાન છે. અને જે કોઈ પણ દીનદુ:ખી આવે છે તેની પીડા દૂર કરે છે.

અહીંયા મનુષ્યો રોતા રોતા આવે છે અને ભગવાન શ્રી સ્વામિનારાયણ અને હનુમાનજી મહારાજના પ્રતાપથી હસતા હસતા જાય છે. અહીંયા કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના બધાના કષ્ટોનું નિવારણ થાય છેં. આજે સંપૂર્ણ સંસારમાં સાળંગપુર નિવાસી કષ્ટભંજન દેવનો મહિમા સુવિદિત છે. આ મહિમાને કર્ણ પરંપરાથી સાંભળીને અનેક જાત-પાતના લોકો અહીં આવે છે અને સુખી થાય છે. અહીંયા આવવા વાળા શ્રદ્ધાળુ યાત્રિકો માટે રોકાવાની તથા ભોજનાદિકની વ્યવસ્થા સારી રીતે કરવામાં આવે છે.