દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ અને સૌરાષ્ટ્ર સુધીના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો હતો. કેટલાક વિસ્તારોમાં વરસાદની સાથે કરા પણ પડ્યા છે. ઝડપી પવનને કારણે વાવાઝોડા જેવું વાતાવરણ સર્જાયું હતું.
ઘણા વિસ્તારોમાં 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાયો છે. વાતાવરણમાં અચાનક આવેલા બદલાવને કારણે ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટી ગઈ છે. મહારાષ્ટ્રમાં પણ હવામાને પલટો લીધો અને મુંબઈમાં ભારે પવનને કારણે વિશાળ હોર્ડિંગ્સ પડી ગયા, જેના કારણે ઘણા લોકો ઘાયલ થયા.
ભારે પવન અને ભારે વરસાદના કારણે મુંબઈમાં મેટ્રો સેવા ખોરવાઈ ગઈ હતી.
અમદાવાદ શહેરમાં સાંજ પડતાં જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અચાનક ધૂળની ડમરીઓ ફેલાઈ હતી. આ સાથે જોરદાર પવન પણ સતત ફૂંકાઈ રહ્યો હતો, હળવા ગડગડાટ પણ થયો હતો. અમદાવાદના વસ્ત્રાપુર, પ્રહલાદનગર, નારણપુરા, ઘાટલોડિયા, વાડજ વગેરે વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અગાઉ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો હતો અને આકાશ વાદળોથી ઘેરાયું હતું.
બીજી તરફ અમરેલીમાં કમોસમી વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. લાઠીના મતિરાલામાં કરા સાથે વરસાદના કારણે પાણી ભરાયા હોય તેવું જાણવા મળે છે, અમરેલીના બાબરા અને દામનગર વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. સાંજે 4 વાગ્યા સુધી બોટાદમાં 20 મીમી, વાંસદામાં 18 મીમી અને ઉમરાળામાં 13 મીમી વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે પવન અને વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું.