બોધિચિત વૃક્ષને સોનાની ખાણ પણ કહેવામાં આવે છે. તેના બીજ બૌદ્ધ ધર્મના અનુયાયી માટે ખૂબ પવિત્ર છે. માળા બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

નેપાળનું બોધિચિત વૃક્ષ હાલ ખૂબ ચર્ચામાં છે. કારણ છે આ વૃક્ષોને ગેરકાયદેસર રીતે કાપવું અને તેની ચોરી. ‘સોનાની ખાણ’ કહેવાતા આ વૃક્ષ પર આજે લોકો સીસીટીવીથી નજર રાખવામાં આવે છે. ઘણાં વિસ્તારોમાં લોકો 24 કલાક બંદૂક લઈને ચોકીદારી કરી રહ્યા છે અને ધ્યાન રાખી રહ્યા છે. ચાલો જાણીએ આખરે શું ખાસ છે આ વૃક્ષમાં.

બોધિચિત અથવા બોધિના વૃક્ષ નેપાળની સાથેસાથે એશિયાના તમામ દેશોમાં જોવા મળે છે, પરંતુ નેપાળના કાવરેપાલનચોકમાં જોવા મળતાં બોધિ વૃક્ષ સૌથી બેસ્ટ ક્વોલિટી માનવામાં આવે છે. તેની કિંમત પણ અન્ય વિસ્તારમાં મળતાં વૃક્ષ કરતાં ત્રણથી ચાર ગણા વધારે છે.

બોધિચિત્ત વૃક્ષનું નામ સંસ્કૃતના બે શબ્દો ‘બોધિ’ અને ‘ચિત્ત’થી બનેલું છે. બોધિ એટલે જ્ઞાન અને ચિત્ત એટલે આત્મા. બૌદ્ધ ધર્મમાં બોધિચિત્ત વૃક્ષનું ઘણું મહત્વ છે. ઘણા લોકો આ વૃક્ષને સીધા ગૌતમ બુદ્ધ સાથે જોડે છે. નેપાળના સ્થાનિક લોકો આ વૃક્ષને ફેરેન્બા કહે છે. તેથી તે તિબેટમાં તેનુવા અને ચીનમાં શુ ઝુ તરીકે ઓળખાય છે.

બોધિચિત્ત વૃક્ષ આટલું વિશિષ્ટ અને મોંઘું કેમ છે? તેનું કારણ આ વૃક્ષના બીજ છે, જેનો ઉપયોગ બૌદ્ધ પ્રાર્થનાની માળા બનાવવામાં થાય છે. અહેવાલો અનુસાર, એક ઝાડમાંથી મેળવેલા બીજ એક સીઝનમાં 90 લાખ રૂપિયા સુધી વેચાય છે. ચીનના ઘણા વેપારીઓ તેને ખરીદે છે અને પ્રોસેસ કરે છે, બાદમાં ચીનમાં ત્રણથી ચાર કરોડ રૂપિયામાં તેને વેચે છે.

અમુક લોકલ ખુદ બોધિચિત્તની માળા તૈયાર કરે છે. માળામાં ઉપયોગમાં લેવાતું બોધિચિત્તનું બીજ 13 મિલીમીટરથઈ 16 મિલીમીટર સુધી હોય છે અને 50 ડોલરથી 200 ડોલર સુધીમાં વેચાય છે. સૌથી મોટા બીજ, સૌથી મોંઘા હોય છે. તે 800 અમેરિકી ડોલર સુધીમાં વેચાય છે.