તાજેતરમાં, પાવાગઢ ખાતે શક્તિપીઠ મહાકાલી માતાના મંદિર તરફ જવાના દાદરની બંને બાજુએ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરની મૂર્તિઓને વિકાસના કામના ભાગરૂપે નષ્ટ કરી નાખવામાં આવતાં એક મોટો વિવાદ સર્જાયો હતો. આનાથી સમગ્ર વડોદરા, અમદાવાદ, સુરત અને ગુજરાતના અન્ય ભાગોમાં જૈન સમુદાયમાં વ્યાપક રોષ ફેલાયો છે.

આ ઘટના પછી સુરતના જૈન સમાજમાં પણ ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ દરમિયાન ઘટનાની ગંભીરતાને લઈને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ‘અમે જૈન તીર્થંકરોની મૂર્તિઓ ફરી સ્થાપિત કરવાનો આદેશ આપી દીધો છે. આ પ્રતિમાઓ ઐતિહાસિક હતી.’ તો આ મામલે રાજ્ય સરકારનાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે આ મામલો અમારા ધ્યાનમાં આવ્યો છે. અમે વિગતો મંગાવી છે.’

જાણો શું છે મામલો?

પાવાગઢ તીર્થ વિકાસ સમિતિનું કહેવું છે કે પાવાગઢ ડુંગર ઉપર મંદિર તરફ જવા માટે જૂના દાદરા છે. તેની બંને બાજુ ગોખલામાં 22મા તીર્થંકર નેમિનાથ ભગવાન સહિત 7 મૂર્તિઓ હજારો વર્ષથી સ્થાપિત છે. જૈનો ત્યાં રોજ સેવા પૂજા માટે જાય છે. 20 દિવસ પહેલાં આ જૂના દાદરાને તોડવાની કામગીરી શરુ કરી હતી. ત્યારે જૈનોએ કલેક્ટર અને એએસઆઇને આવેદનપત્ર આપીને ડર વ્યક્ત કર્યો હતો કે આ તોડફોડની કામગીરીમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓને નુકસાન થશે. આ મૂર્તિઓ પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ છે.

આમ છતાં દાદરા તોડવાની કામગીરી વખતે જૈન તીર્થંકરોની મૂર્તિઓ તોડીને કચરામાં ફેંકી દેવાઈ હતી. આ અંગે જૈન સમાજે અગાઉથી ચેતવણી આપી હોવા છતાં તંત્રે તેના પર ધ્યાન આપ્યું ન હતું.

Gam no choro | Gujrati news | Ahmedabad | Surat | Vadodara | Gujarat