મોહનભાઈ શેઠ ખૂબ જ મોટી હવેલીમાં રહેતા હતા, તેઓના બધા સંતાનો વિદેશમાં રહેતા હતા. તેઓ અહીં એકલા રહેતા હતા પરંતુ તેની સાથે ઘરમાં નોકર પણ રાખેલો હતો, જે મોહનભાઈની મદદ પણ કરતો. અને સાથે સાથે ત્યાં જ રહેતો હતો.
મોહનભાઈ પણ નોકર સાથે જાણે તેનો મિત્ર હોય તેઓ વ્યવહાર કરતા, તેઓ નોકરનું ખૂબ ધ્યાન રાખતા નોકરને કોઈ પણ જાતની કંઈ તકલીફ ન પડે તે માટે તે જરૂર પડે તે બધી સુવિધા પણ અપાવતા અને ક્યારેક ક્યારેક ખૂબ જ સારું ખાવાનું બન્યું હોય ત્યારે નોકરને પોતાના હાથે જમાડે પણ ખરા, નોકર પણ આવા માલિકને મેળવીને પોતાની જાતને ખૂબ જ ધન્ય સમજતો હતો અને ખૂબ જ સુખેથી પોતાની જિંદગી વિતાવી રહ્યો હતો. નોકરને ક્યારેક કોઈ જાતનું કામ હોય ત્યારે ઘરે જવાનું થતું તો પણ જાણે પોતાનું ઘર મૂકીને જતો હોય તેવું થતું કારણ કે તેને આ ઘર જાણે પોતાનું જ હોય તેવું લાગતું હતું અને તેની મોહનભાઈ સાથે આત્મીયતા પણ એટલી બધી વધી ગઈ હતી.
ખેતીનું કામ પણ તે નોકરજ કરી નાખતો હતો એવામાં એક દિવસ સવારથી સાંજ સુધી ખેતરમાંથી કામ કરીને થાકીને ઘરે આવ્યો ત્યારે મોહનભાઈએ તેને બોલાવ્યો અને પૂછ્યું કે તું આજે થાકી ગયો હશે ને? તો આપણે રસોઈ આજે નહીં બનાવતો, આજે આપણે બહાર જમવા જશું. બંને બહાર જમવા ગયા અને જાણે પોતાની સાથે મિત્ર જમતો હોય એ જ રીતે તેને સાથે બેસીને જમાડ્યો. ખૂબ જ મોટી હોટલમાં જમીને નોકરને પણ બહુ મજા આવી ગઈ.
જમીને ઘરે આવ્યા અને ઘરે આવીને મોહનભાઈ ટીવી જોઈ રહ્યા હતા. ત્યારે તેમને યાદ આવ્યું કે ફ્રિજમાં કેરીઓ પડી છે ત્યારે તે નોકરને બોલાવીને તે કેરીઓ લઇ આવવાનું કહે છે, મોહનભાઇ જાતે પોતાના હાથોથી તે કેરી સુધારીને નોકરને ખવડાવે છે નોકર પણ ધીમેધીમે કેરીઓ ખાતો ખાતો કેરીના ખૂબ વખાણ કરતો જાય છે ત્યારે મોહનભાઇ પણ એક કેરીની ચીર ઉપાડીને ખાય છે ત્યારે…
તે કેરીને મોઢામાં નાખતા જ થૂ…થૂ.. કેટલી ખાટી છે એમ કરીને કાઢી નાખે છે અને નોકરને કહે છે તું તો સાવ ખોટો છે આવી કેરી થોડી ખવાય નોકરે જવાબ આપતા કહ્યું કે સાહેબ હું કેરીની ચેરના કે કેરીના સ્વાદના નહીં પરંતુ તમારી અને મારી આટલી બધી આત્મીયતા છે અને તમે આટલી લાગણી અને પ્રેમ દર્શાવો છો તેના વખાણ કરી રહ્યો હતો.
કેરી ભલે ખાટી હોય પરંતુ તમારા હાથના સ્પર્શથી જ એ જાણે મીઠી થઈ જતી હોય તેમ મને લાગતું હતું. અને આજ દિવસ સુધી તમે મને ખૂબ સારું ખવડાવ્યું છે અને આજના દિવસની જ વાત કરીએ તો તમે મને મોટી હોટલ કે જે મેં કોઈ દિવસ જોઈ પણ નહોતી ત્યાં જઈને જમાડ્યો છે તો પછી હું આ એક સામાન્ય કેરીની ભૂલ કઈ રીતે કાઢી શકું.
આ સ્ટોરી પરથી એ વાત સમજવાની છે કે રોજ પ્રેમથી રસોઈ બનાવીને જમાડનારી માતા હોય કે આપણી પત્ની હોય પરંતુ જો એનાથી ક્યારેક રસોઈ ખરાબ થઈ જાય અથવા તેમાં સ્વાદ ન હોય ત્યારે તેની આગળની બધી રસોઈની લાગણી અને પ્રેમને યાદ કરજો સાહેબ રસોઈ નો સ્વાદ બદલાઈ જશે.