ભારતના વિદેશમંત્રી એસ જયશંકરનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, જયશંકરે કહ્યું કે, 2014થી દેશની વિદેશ નીતિમાં પરિવર્તન આવ્યું છે અને આ આતંકવાદ સામે લડવાનો માર્ગ છે. જયશંકર એક કાર્યક્રમમાં યુવાનોને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે વિદેશ મંત્રીને પૂછવામાં આવ્યું કે, એવા કયા દેશો છે જેની સાથે સંબંધો જાળવી રાખવા ભારત માટે મુશ્કેલ છે. જેના જવાબમાં તેમણે કહ્યું કે, આજે સૌથી મોટો પડકાર પાકિસ્તાન છે.
એક કાર્યક્રમ દરમિયાન જયશંકરે કહ્યું કે, PM મોદી 2014માં આવ્યા હતા પરંતુ આ સમસ્યા 2014માં શરૂ થઈ નહોતી. આ સમસ્યા 1947માં શરૂ થઈ હતી. 1947માં પાકિસ્તાનથી કાશ્મીર આવેલા લોકોએ ત્યાં હુમલા કર્યા આ આતંકવાદ હતો, તેઓ શહેરો અને ગામડાઓને બાળી રહ્યા હતા, તેઓ લોકોને મારી રહ્યા હતા. પાકિસ્તાને આક્રમણકારોને કાશ્મીરમાં મોકલ્યા. જોકે અમારી સેનાએ તેમની સામે લડ્યા. જ્યારે ભારતીય સેના તેની કાર્યવાહી કરી રહી હતી ત્યારે અમે રોકાયા અને સંયુક્ત રાષ્ટ્રમાં ગયા.