બોલિવૂડ અભિનેતા સંજય દત્તે સ્પષ્ટતા કરી છે કે તે રાજકારણમાં જોડાઈ રહ્યા નથી. જ્યારે ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે લોકસભાની ચૂંટણી લડી શકે છે, અભિનેતાએ કહ્યું કે આ સાચું નથી અને તેના ચાહકો અને અનુયાયીઓને પણ અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર વિશ્વાસ ન કરે. અભિનેતાએ તેના ઓફિશિયલ X એકાઉન્ટ પર આ માહિતી આપી છે.

સંજય દત્તે શું કહ્યું?
સંજય દત્તે કહ્યું, “હું મારા રાજનીતિમાં જોડાવાની તમામ અફવાઓનો અંત લાવવા માંગુ છું. હું કોઈપણ પક્ષમાં જોડાઈ રહ્યો નથી કે ચૂંટણી લડી રહ્યો નથી. જો હું રાજકીય મેદાનમાં ઉતરવાનું નક્કી કરીશ, તો હું પેહલા જ તમને જાહેર કરીશ. અત્યાર સુધી મારા વિશેના સમાચાર પર વિશ્વાસ કરવાનું ટાળો.”

તમને જણાવી દઈએ કે સંજય દત્તની બહેન પ્રિયા દત્ત રાજનીતિ સાથે જોડાયેલી છે. તે એક સામાજિક કાર્યકર છે અને તેની પારિવારિક પૃષ્ઠભૂમિને કારણે રાજકારણ સાથે જોડાયેલી છે. પ્રિયા દત્ત દિવંગત બોલિવૂડ અભિનેતા અને રાજકારણી સુનીલ દત્ત અને નરગીસ દત્તની પુત્રી છે. થોડા દિવસ પહેલા જ બોલિવૂડ એક્ટર ગોવિંદાએ રાજકારણમાં એન્ટ્રી કરી છે. લોકસભા ચૂંટણી પહેલા ગોવિંદા શિવસેના એકનાથ શિંદેના જૂથમાં જોડાઈ ગયા છે.