જૂનાગઢ ખાતે મહાશિવરાત્રિ મેળાનો શુભારંભ થઈ ગયો છે, તા. 5 માર્ચ થી લઇને 8 માર્ચ સુધી ભવનાથ તળેટીમાં ચાર દિવસ સુધી ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાશે. આ ભવ્ય અને દિવ્ય કુંભમેળામાં લાખો ભાવિ ભક્તોને તમામ પ્રકારની સુવિધા મળી રહે તે માટે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે, જેથી પ્રથમવાર મહાશિવરાત્રિનો મેળો ડિજિટલ બનશે.

મહાશિવરાત્રિ મેળામાં પધારનાર સૌ ભાવિ ભક્તોને મેળાના રૂટની તથા પાર્કિંગ, શૌચાલય, મેડિકલ સુવિધા અને પાણી તથા પોલીસ સુરક્ષાની તમામ માહિતી સરળતાથી મળી રહે તે જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા ભાવિ ભક્તોને કોઈ અગડવતા ન પડે તે માટે મહાશિવરાત્રિ મેળાનો રૂટ પ્લાન જાહેર કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે શિવરાત્રી મેળાનું ડિજિટલાઇઝેશન કરાયું છે.

ભવનાથ વિસ્તારમાં ભાવિ – ભક્તોને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ વેઠવી ન પડે તે માટે આ વર્ષે પ્રથમ વખત કયુઆર કોડ જારી કરવામાં આવ્યો છે. જેને સ્કેન કરવાથી મોબાઇલ ફોનમાં શિવરાત્રી મેળાની પૉકિંગ, શૌચાલય, મેડિકલ સુવિધા, પાણી, રૂટ તથા ભવનાથ વિસ્તારના અન્નક્ષેત્ર, આશ્રમ, હોટેલ અને આસપાસના સ્થળોની પણ સરળતાથી માહિતી અને હેલ્પલાઇન નંબર મળશે. સૌથી ખાસ વાત એ છે કે, આ રૂટ પ્લાન ગુગલ લોકેશન આધારિત હોવાથી દરેક સ્થળ અને સુવિધાઓ સુધી તમે સરળતાથી પહોંચી શકશો.

મહાશિવરાત્રિ મેળા – 2024 માર્ગદર્શન વેબસાઈટનો ઉપયોગ કઈ રીતે કરી શકશો?

સૌ પ્રથમ ભવનાથ વિસ્તારમાં લગાવવામાં આવેલ ” QR કોડને સ્કેન કરો ” અથવા ” આપના ફોનમાં https://marujunagadh.in/ ” વેબસાઈટ વિઝીટ કરો.

ખાસ સૂચના: આ વેબસાઈટ લોકેશન આધારિત હોવાથી. આ વેબસાઈટનો ઉપયોગ કરતા પહેલા આપના ડિવાઈસમાં, બ્રાઉઝરના સેટિંગમાં લોકેશન શેરિંગની પરવાનગી હોવી અનિવાર્ય છે.

જુનાગઢ મહાનગરપાલિકા જાહેર કરવામાં આવેલ ” QR કોડ ” દ્વારા મહાશિવરાત્રિ મેળામાં પધારેલ ભાવિ ભક્તોને તમામ પ્રકારની સુવિધાઓ અને જરૂરિયાતલક્ષી માહિતી મળી રહેશે. જનસૂખાકારી માટે જ જૂનાગઢ મહાનગરપાલિકા ખડે પગે છે તેમજ જુનાગઢ પોલીસ આપની સુરક્ષા માટે સાથે જ છે તેમંજ જૂનાગઢ મહાનગરપાલિકા તમામ શ્રદ્ધાળુઓને હૃદયપૂર્વક આવકારે છે.

તમામ ભાવિ ભક્તો મહાશિવરાત્રિ મેળાનો લાભ લઈ શકે તે માટે રેલવે તંત્ર દ્વારા આજથી જૂનાગઢ-કાસીયાનેસ વચ્ચે મીટર ગેજ ટ્રેક પર મેળા સ્પેશીયલ ટ્રેન શરૂ કરી છે. તેમજ સાત જોડી ટ્રેનમાં વધારાના કોચ લગાવ્યા છે. જ્યારે એસટી તંત્ર દ્વારા બસસ્ટેન્ડથી ભવનાથમાં જવા માટે 75 મીની બસ તેમજ અન્ય અમદાવાદ, રાજકોટ, પોરબંદર, ભાવનગર, ભુજ, અમરેલી દ્વારકા સહિતના રૂટ પર વધારાની 175 બસ દોડાવવામાં આવશે. સહ પરિવાર સાથે દિવ્ય અને ભવ્ય મેળામાં પધારીને ભગવાન ભોળાનાથની ભક્તિમાં લીન થઈ જાઓ.