મહીસાગરમાં ઠેરઠેર ટિટોડીએ ચાર ઈંડા મૂક્યા છે, હવે ટિટોડી કેટલી ઊંચાઈએ ઈંડા મૂકે છે અને તે જગ્યા સૂકું તળાવ કે નદી છે અથવા ઈંડાની સંખ્યા કેટલી છે તે મામ બાબતો પરથી ખેડૂતો અને જાણકારો વરસાદનું અનુમાન કરે છે. પૂર્વ વન અધિકારીએ પણ આ અંગે કેટલીક જાણવા જેવી માહિતી આપી છે.
અમદાવાદઃ ટિટોડીએ ઈંડા મૂક્યા તેના પરથી વરસાદનું અનુમાન કરવામાં આવી રહ્યું છે, આ મામલે હવામાન નિષ્ણાત કે જેઓ કુદરતી સંકેત પરથી વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરે છે તેમણે સારા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં અંબાલાલ સહિતના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. આવામાં મહીસાગરના નિવૃત્ત વન અધિકારી (DFO) હરીશભાઈ શર્માએ મહત્ની વાત કરી છે. હરીશભાઈએ કુદરતી પ્રક્રિયાના આધારે ખેડૂતો દ્વારા જે અનુમાન કરવામાં આવે છે તેના માટે પ્રકૃતિનું જતન જરુરી હોવાની વાત પણ કરી છે.
વન અધિકારી હરીશભાઈ કહે છે કે, ટિટોટીના ઈંડાના આધારે ખેડૂતો વરસાદનું અનુમાન કરતા હતા અને વરસાદના અનુમાનના આધારે કયો પાક લેવો તેની પસંદગી કરતા હતા. જેમાં ખેડૂતોને (વરસાદ આધારિત ખેતીમાં) ઉત્પાદન પણ સારું થતું હતું. ટિટોડી ખેડૂત મિત્ર તરીકે મહત્વનું પક્ષી માનવામાં આવે છે પ્રકૃતિ અને ટિટોડીનું જતન ઘટી રહ્યું છે જે આપણા માટે ખતરાની ઘંટડી છે.
વધુમાં તેમણે કહ્યું કે, ટિટોડી જમીન પર કેટલી ઊંચાઈએ ઈંડા મૂકે છે, ઈંડાની સંખ્યા કેટલી છે તે તમામ બાબતો પરથી વરસાદનું અનુમાન કરવામાં આવે છે. જો ટિટોડી ચારથી વધુ ઈંડા મૂકે કે વધુ ઊંચાઈ પર ઈંડા મૂકે તો (જરુરી કરતા) વધુ વરસાદ થવાની સંભાવનાઓ છે. જો ત્રણ ઈંડા મૂકે અને નીચાણવાળી જગ્યા પર ઈંડા મૂક્યા હોય તો એવું માનવામાં આવે છે કે વધુ વરસાદ નથી.
જોકે, આ વર્ષે મહીસાગરમાં ટિટોડીએ ઠેરઠેર ચાર-ચાર ઈંડા મૂક્યા છે તેના પરથી કેવું અનુમાન લગાવી શકાય તે સવાલ પર હરીશભાઈ શર્માએ કહ્યું કે, ચાર ઈંડા ઠેરઠેર જોવા મળતા હોય તો ચોમાસું સારું રહેવાનું અનુમાન છે. આવી સ્થિતિમાં જે તે વિસ્તારમાં 90થી 100 ટકા વરસાદ થવાની સંભાવનાઓ છે.
આ અંગે અંબાલાલ પટેલ કહે છે કે, ટિટોડી અષાઢ માસમાં ઈંડા મૂકે તો અને ચાર ઈંડા મૂકે તો સારો વરસાદ થાય છે. ઈંડાની તિક્ષ્ણ અણી હોય તે નીચેની તરફ હોય તો સારો વરસાદ થતો હોય છે. તેમણે કહ્યું કે, ટિટોડી સૂકા તળાવ કે નદીમાં ઈંડા મૂકે તો નબળા વરસાદના સંકેત મળે છે.